‘ચિનગારી' એટલે નાનો અગ્નિનો તણખો અને મહાનલ એટલે મોટો અગ્નિ - પરમાત્મા એટલે કે મોટા અગ્નિ પાસેથી નાના તણખાની કવિ માંગણી કરે છે. પરમાત્માએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યુ છે. સૂર્ય, ચંદ્ર, આભ બનાવ્યું છે. પરમાત્મા પાસે કાવે એક નાની યાચના કરે છે એક જ્ઞાનરૂપી, પ્રકાશરૂપી ચિનગારી - તણખો માંગે છે.
મનુષ્યને હંમેશાં ઈશ્વરને - પરમાત્માને પામવાની ઝંખના હોય છે પણ મનુષ્ય જીવનમાંથી દુઃખ, આફતોમાંથી એક પરમાત્મા જ મુક્ત કરાવી શકે. મનુષ્યના અંધકારમય જીવનને પ્રકાશ આપવાનું કામ ઈશ્વર- પરમાત્મા કરે છે. મૃત્યુથી મોક્ષ તરફની ગતિ મનુષ્યને કરવી છે. કવિએ આ ઝંખના વ્યક્ત કરી છે. જીવાત્માની ઉત્કટ આરઝૂ પૂરી કરવા પરમાત્મા પાસે ફકત એક જ ચિનગારી - તણખો જોઈએ છે. તો એ મળતાં કવિ માને છે કે જીવાત્માને પરમાત્માનો સાથ મળી જશે. પરમાત્મા પોતે તો જ્ઞાનનો-પ્રકાશનો ભંડાર છે. એમાંથી એક ચિનગારી આપવી એ મુશ્કેલ નથી. પરંતુ કવિ કહે છે કે એ ચિનગારી પામવા આપણી પણ ઉત્કટ ઝંખના હોવી જોઈએ.
કવિએ એક જ દે ચિનગારીમાં ઈશ્વરકૃપાની તીવ્ર ઝંખના સુંદર રીતે આલેખી છે. કાવ્યને અપાયેલું શીર્ષક યોગ્ય છે. પરમાત્મા મહાનલ છે તેમાંથી એક ચિનગારી મળી જાય તો કાયમ માટે મોક્ષ મળી જાય.