પૂંજો એક પરોપકારી જીવ હતો. પૂંજાનું જીવન અત્યંત સરળ અને સાદું. જીવનની જરૂરિયાત ખપપૂરતી અથવા નહિવત હતી. એનાજ શબ્દોમાં જણાવીએ તો, “આકાશના પંખી જેવો જીવ, વાવવું, લણવું કે એકઠા કરવાની કોઈ પળોજણ જ નહી.” આવા જીવને પોતાની વ્યથા ને વેદના તો હોય જ ક્યાંથી ? જીવનમાં જે કાંઇ વેદના ને વ્યથા ભોગવી તે ઊભી કરેલી જ કહેવાય.
લોકોને મીઠી કેરી મળે, ને વટેમાર્ગુઓને વિસામે મળે, એવી પરોપકારની ભાવનાથી આંબા રોપવા પડતર જમીનને સરખી કરી. છાણ-માટીનું ખાતર મિલાવી ઉપજાઉ બનાવી. આંબા રોપી દીધા. પોતાના પંડ્યનાં દીકરાની જેમ માવજત કરી ઉછેર્યા.
એજ વર્ષ, સળંગ ચાર દિવસ વરસાદ વર્ષ્યો, તેમાં બધે પાણી-પાણી થઈ ગયેલું. પાણી ઉતરતાં, તરત તેમણે આંબાની ભાળ કાઢી, પાણીમાં ખેંચાઈ કે કહોવાઈ ગયેલા છોડની એમને જે વેદના થયેલી, તે પોતાના દીકરા ગુમાવ્યા જેટલી હતી.
બીજો બનાવ નોંધતા લેખક જણાવે છે કે, પૂંજાના પત્ની માંદા પડતા, સારવાર માટે પાંચેક દિવસ હોસ્પિટલમાં રહેવાનું થયું, ત્યારે કેટલાક આંબાને ટૂંપી નાખેલા ને બીજો કોઈ આવીને ખેતરની વાડ બનાવવા તેમનાં થોરિયા કાઢી ગયેલો. આનું દુઃખ, વેદના ને વ્યથા પણ પુંજાને અંગત સ્વજન ગુમાવ્યા જેટલી થયેલી.
પત્નીનું મૃત્યુ થતાં, તેની કબર ખોદવા જતા જુવાનિયાને સૂચના આપતાં બોલી પડેલા, “મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ કબર ખોદજો.” આવી વ્યથા, એક પરોપકારી જીવને જ થાય!