મુઘલ શાસકો ભવ્ય મહેલોના ખૂબ શોખીન હતા. શાહજહાંને બાંધકામ પ્રત્યે સૌથી વધુ શોખ હતો. તેના સમયમાં દરબાર ધનદોલત અને જાહોજલાલીની બાબતમાં સમૃદ્ધ હતો. શાહજહાંએ કેટલાક વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા, જેમાંથી તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે. શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાને-આમ અને દીવાને-ખાસ બંધાવ્યા હતા. આ ઉપરાંત મોતી મસ્જિદ, દિલ્હીની જુમ્મા મસ્જિદ જેવાં પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા. શાહજહાંને “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખવામાં આવે છે. શાહજહાંએ દિલ્હી પાસે શાહજહાનાબાદ નામનું શહેર વિકસાવ્યું હતું અને આ શહેરમાં ભવ્ય ઈમારતો બંધાવી હતી. આમ, શાહજહાંએ બંધાવેલા વિશ્વપ્રસિદ્ધ બેનમૂન સ્થાપત્યો પરથી ફલિત થાય છે કે શાહજહાંને બાંધકામ પ્રત્યે લગાવ અને વિશેષ રુચિ હતી.