પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સર્વ જગતના હિતનો વિચાર કર્યો છે. આ જગતના વિશાળ વિસ્તારમાં એક માત્ર માનવી જ વસતો નથી. તેની સામે પશુ, પંખી, પુષ્પો તથા વનસ્પતિ સૃષ્ટિ પણ વસે છે – એમ કહી કવિએ અહી એ બધાનાં હિતને ઉવેખીને માનવીએ સ્વેચ્છાચાર કરવાનો નથી એવો સંદેશ પાઠવ્યો છે.
ઘડીભર વિચાર તો કરો કે, આ જગતમાં જે પ્રકૃતિ તત્વો છે, જે પશુ, પંખી, પુષ્પો અને વનસ્પતિ છે એમાંનું કશું જ ન હોત અને એકલો મનુષ્ય જ હોય તો ? માણસનું જીવવું કેવું આકરું હોત ! અરે, માણસજાતનું અસ્તિત્વ હોય કે કેમ તે સવાલ થાત. પશુ, પંખી કે આ વનસ્પતિ સૃષ્ટિ દ્વારા જ તો એનું પાલન પોષાણ થાય છે. પંખીઓના કલરવથી માંડી જગતના તત્વો સત્વોથી તો એનું જીવન હર્યુભર્યુ છે. આ પુથ્વી પરના પશુ, પંખી કે વનસ્પતિ સૃષ્ટિ વગેરે જ થઇ નહીં પરંતું સૂર્ય, ચંદ્ર, તારા ગ્રહો, નિહારિકા ઈત્યાદી પણ માનવજીવનના આધારરૂપ છે. આ બધાં વગર માનવજાતની કલ્પના ન જ થઇ શકે.
વૃક્ષના પર્ણમાં પુષ્પમાં કે ગીત ગાંતાં પંખીઓમાં પ્રભુનો વાસ છે એમ ભલે માનીએ કે ન માનીએ પણ આ બધાને કારણે માણસનું અસ્તિત્વ ચેતનવંતુ ધબકતું એ તો નક્કી જ છે. તેમ છતાં માણસ એની સ્વાર્થભરી વેપારવૃત્તિને કારણે આજે સ્વેચ્છાચારી બન્યો છે. પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષો – વનસ્પતિનું નિકંદન કાઢી રહ્યો છે. પ્રભુએ સર્જેલી પરમ પવિત્ર મોહક મનભાવન આ સૃષ્ટિમાં પ્રદુષણ ફેલાવી રહ્યો છે ને એ કારણે આ મોંઘી પ્રકૃતિસૃષ્ટિનો વિનાશ થઇ રહ્યો છે ત્યારે કવિ આપણને આ પંક્તિઓ દ્વારા સાવધાન કરી રહ્યા છે. પશુ, પંખી કે માનવેતર જીવસૃષ્ટિ દુ:ખ પામશે તો માનવીને સાચાં સુખશાંતિ મળવાનાં નથી. માણસની પ્રગતિ અને અને માનવસંસ્કૃતિનાં વિકાસમાં મનુષ્યો વચ્ચેની શાંતિ જ નહી પણ આ વિશાળ સૃષ્ટિની શાંતિ અગત્યનું પરિબળ છે – એ દરેક માણસે સમજવું જોઈએ. પશુ, પંખી અને વનસ્પતિ સૃષ્ટિનું સંરક્ષણ, સંવર્ધન અને જતન કરવું પડશે માટે જ કવિનો સંદેશ છે કે ‘માનવી, પ્રકૃતિ સૌને “वसुधैव कुटुंबकम् | ” ’