'મા' શબ્દ કાને પડતાની સાથે વાત્સલ્ય અને વહાલ હૃદયમાં ઉભરાવવા માંડે છે . સાંભળનાર નાનું બાળક કેમ ન હોય? કુસુમાયુધની માતા તેને ચાર વર્ષનો મૂકીને ગુજરી ગઈ. મૃત્યુ શબ્દનો અર્થ સમજવા માટે આ ઉંમર ઘણી ઓછી કહેવાય. તેમ છતાં “મા” શબ્દની સમજણ માટે આ ઉમર નાની ન હતી. બાળમાનસ પર માતાની સતત રહેતી ગેરહાજરીની ઊંડી અસર થાય છે અને ઘરે આવનાર અન્ય કોઈ પણ સ્ત્રી , તેની માં જેવા પરિધાનમાં દેખાય, તો તેમાં પોતાની માતાને કુસુમાયુધની આંખો શોધવા માંડે છે.
તેના ઘરમાં જયારે અપરમા આવે છે, ત્યારે એક ક્ષણ માટે તો કુસુમાયુધને એમ લાગે છે કે આજ મારી મા બનીને આવી છે. આવા વિચારનાં સમર્થન માટે બાળક કુસુમાયુધ અને તેની અપરમા સાથે લેખક જે સંવાદોનું વર્ણન કરે છે - અને પ્રશ્નોત્તરીનાં આધારે બાળકમાં ઉદ્ભવતી નિરાશાનું જે વર્ણન કર્યું છે. તે વાંચકનાં હદયમાં પણ ઘેરી છાપ ઉત્પન્ન કરે છે. માંદગીનો પ્રસંગ, અપરમાના ઉપચાર માટેના પ્રામાણિક પ્રયાસ - તેમ છતાં માંદગીનો બીજો ઉથલો, અને અંતે જયારે અપરમા કુસુમાયુધનાં પ્રશ્નનાં ઉત્તરમાં “ઓ દીકરા, તારે માટે !” એવો ઉત્તર આપી બાળકને વ્હાલથી તેનાં મુખ પર ચૂંબન કરે છે અને જયારે તેને સોળમાં લઈને છાતી સરસો ચાંપે છે ત્યારે ખરા અર્થમાં કુસુમાયુધ તેને “ખરી મા” નાં સ્વરૂપમાં સ્વીકારે છે. પ્રસંગોની વિવિધતા, બાળ માનસની સુપેરે કરાયેલી રજુઆત તેમજ નવી પરણીને આવેલી સ્રીનાં હદયમાં જાગી ઉઠેલી “માતૃત્વની ભાવના” ખરા અર્થમાં આ પાઠના શીર્ષકને યોગ્ય બનાવે છે.