મહાભારતની મહાકથામાં માતા-પુત્રનાં પ્રેમની કથા “કૃષ્ણ-યશોદા' ના પ્રસંગથી (કદાચ !) શરૂ થાય છે. એ પછી “ગાંધારી-દુર્યોધન” નાં માતા પુત્રનાં ભાવને દર્શાવાયેલ છે. પરેતુ, “કુંતીમાતા ને કર્ણ” આ એક એવો માતા-પુત્રનો સંબંધ છે, જે પુત્રનાં જન્મ પછી તરત જ તેને ત્યજી દેવા લાચાર માતા તેમજ જમ્મે ક્ષત્રિય હોવા છતાં જે ક્ષત્રિય ન બની શક્યો - હીન નહિ છતાં હીન ગણતા જેને શીખવું પડ્યું - એવા બંને લાચાર પાત્રોનું કરુણ ચિત્રણ છે.
કુંતી માતા સમાજના ડરથી, ‘કુંવારી માતા’ ના ભારવાચક સંબોધનને સ્વીકારવા તેયાર ન થઈ શક્યા - પુત્રથી અલગ રહેવા / જીવવાનું સ્વીકારવા લાચાર બન્યા. માતૃપ્રેમને - ને તે પણ પ્રથમ સમયનાં પ્રેમને, પહેલા ખોળાનાં સંતાનને ત્યજીને, રહેતા થયા. સમયે - સમયે, પ્રસંગોપાત માતા પુત્ર આમને - સામને થતા રહ્યા. માતા, પુત્રને અજાણ્યા માણસની જેમ જોવા લાચાર બન્યા ! પ્રસંગોપાત કર્ણ જાહેરમાં અપમાનિત થતો રહ્યો, તે દંશ્યો / પ્રસંગોના આંખે જોનાર / સહેનાર લાચાર દર્શક બની રહ્યા. આ દરેક બનાવનાં સમયે માતા કુંતીએ પુત્ર પ્રેમને કોણ જાણે ક્યાં ને કેવી રીતે દબાવી / છુપાવી રાખ્યો હશે ? આનો ઉત્તર તો કુંતી પોતે પણ કદાચ ન આપી શક્યા હોત.
જયારે કર્ણ તો મોટો થતાં જ રાધા- પુત્ર, સૂત-પુત્ર તરીકે ઉછેર્યો ને જાણીતો થયો. ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ પુત્ર હોવાની કેફિયત આપી બાણ વિદ્યા શીખ્યો. કર્ણને મન માતા પ્રેમ એટલે 'રાધા' નો પ્રેમ. આર્થિક સંકળામણ અને સામાજિક મર્યાદા ને અપનાવતા અપનાવતા તેની આદત પાડવા મજબૂર બાળક જુવાન થતાં મિત્ર દુર્યોધનની દયા ને દુઆ બંનેનો અધિકારી (!) બન્યો. દુર્યોધને જ એક જાહેર પ્રસંગમાં કર્ણના થઈ રહેલા અપમાનને સહી ન શકતાં અંગ દેશના રાજા તરીકે તેને જાહેર કરી - કર્ણને રાજા બનાવી દીધો.
કર્ણ માતૃપ્રેમથી, તેના જીવનનાં ઘણાં વર્ષો સુધી, વંચિત રહે છે. ઈતિહાસમાં કર્ણ દાનેશ્વરી તરીકે અમરત્વ પામે છે, છતાં તેનામાં દબાઈ રહેલ માતૃપ્રેમને બહાર લાવી શકે તેવો એકમાત્ર પ્રસંગ - આ નાટ્યખંડમાં આલેખાયેલ છે, જે ભાવુકતાથી ભરપૂર છે.