પગી એટલે પગલાંની છાપના આધારે પગેરું શોધવામાં પારંગત. રણછોડ રબારી પશુ, પક્ષી કે માણસનાં પગલાંની છાપ ઓળખી એ ક્યાંથી આવ્યાં, ક્યાં ગયાં અને કેટલા સમય પહેલાંનાં આ પગલાં છે, એ બધું તીક્ષ્ણ નજરથી, કોઠાસૂઝ કે પરંપરાગત વારસાથી જાણી લેતા હતા. આ ઉપરાંત તેઓ રણના માર્ગો પર ઊંટ ઉપર કેટલા લોકો સવાર હતા-તે ઊંટના પગનાં નિશાન જોઈને કહી દેતા હતા. ક્રીક અને રણમાં પગનાં નિશાન પરથી ઘૂસણખોર કેટલાં વર્ષનો અને કેટલું વજન ઊંચકીને સરહદની અંદર પ્રવેશ્યો છે તે પણ સચોટ રીતે કહી દેતા હતા.