લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. લઘુચિત્રકલાનો વિકાસ ભારતમાં પ્રાચીન સમયથી થયો હતો. આ ચિત્રો કાપડ કે કાગળ પર પાણીના રંગોથી બનાવવામાં આવતા હતા. પ્રાચીન સમયના લઘુચિત્રો તાડપત્રો કે લાકડાની પાટલીઓ પર જોવા મળે છે. રાજસ્થાન અને મુઘલ શૈલીના લઘુચિત્રો વિશ્વભરમાં પ્રખ્યાત છે. મુઘલ બાદશાહો અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને અનેક ગ્રંથોનું ચિત્રણ કરાવ્યું હતું. રાજસ્થાનમાં મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢની શૈલીઓ ખૂબ જ જાણીતી છે. આ શૈલીઓમાં રાધા-કૃષ્ણની લીલાઓ, દરબારી દ્રશ્યો અને શિકારના દ્રશ્યોનું સુંદર આલેખન જોવા મળે છે. હિમાલયના પહાડી પ્રદેશોમાં પણ 'બસોહલી' જેવી લઘુચિત્ર શૈલીઓ વિકસી હતી. આમ, લઘુચિત્રશૈલી ભારતીય સંસ્કૃતિ અને કલાના વારસાનું એક મહત્વનું અંગ છે.