સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે. તેને ‘ગુજરી બજાર’ પણ કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને ‘હાટ’ કહેવામાં આવે છે. જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે. આ બજારમાં વેપારીઓ દિવસ દરમિયાન તેમની વેચાણની વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને ઘેર જતા રહે છે. તેઓ બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન બનાવે છે. સમગ્ર દેશમાં મુખ્યત્વે શહેરોમાં અનેક જગ્યાએ સાપ્તાહિક બજારો યોજાય છે. આ બજારમાં લોકોને એક જ જગ્યાએથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ મળી રહે છે. આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. તેથી તે ચીજવસ્તુઓ બજારભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે. સાપ્તાહિક બજાર દ્વારા નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે.