મોટાં શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એકસાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે, જેને 'શૉપિંગ કૉપ્લેક્સ' કહે છે. મોટાં શહેરોમાં બહુમાળી બિલ્ડિંગમાં જુદા જુદા માળ ઉપર જુદી જુદી વસ્તુઓના વેચાણના શો-રૂમો હોય છે, જેને 'મોલ' કહેવામાં આવે છે. મોલના શો-રૂમોમાં નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેરખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શો-રૂમોમાં વેચતી હોય છે. એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હોય છે. મોલની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે:
(1) મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે.
(2) વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે.
(3) વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે.
(4) મોલમાં વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે.
(5) મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.