Question
ટૂંકનોંધ લખો: દીપાવલી

Answer

દીપાવલી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર હિન્દુ વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસે (આસો વદ અમાસ) ઉજવાય છે. આ તહેવાર સાથે વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે. આમ, વર્ષાન્ત અને વર્ષારંભ સાથે જોડાયેલ આ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવાતી લાંબામાં લાંબી તહેવાર શ્રેણી છે.

આ તહેવારમાં લોકો પોતાના ઘરની બહાર અને આંગણામાં દીવા પ્રગટાવે છે, તેથી આ તહેવાર 'પ્રકાશના પર્વ' તરીકે પણ ઓળખાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તેમનું પૂજન થાય છે. કાળીચૌદસના દિવસે કાલીમાતાના શક્તિ સ્વરૂપનું પૂજન થાય છે. આ દિવસે કારખાનાઓ અને ફેક્ટરીઓમાં યંત્રોનું પૂજન કરવામાં આવે છે. લોકો પોતાનાં વાહનોનું પૂજન પણ આ દિવસે કરે છે.

દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવે છે. આજના સમયમાં ચોપડા ઉપરાંત કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ અને પ્રિન્ટરની પણ પૂજા કરવામાં આવે છે. લોકો ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરે છે. દિવાળી પછીનો દિવસ એટલે કારતક સુદ એકમ, જે દિવસે હિન્દુઓ 'નૂતન વર્ષ' ઉજવે છે. સવારે વહેલા ઊઠી, નવાં સુંદર વસ્ત્રો પહેરી, વડીલો અને ભગવાનના આશીર્વાદ મેળવી, જરૂરિયાતમંદને દાન આપી નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરવામાં આવે છે.

ભાઈબીજના દિવસે બહેનો ભાઈઓને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપે છે. ભાઈ બહેનને ત્યાં ભોજન લીધા બાદ તેને ભેટ (દક્ષિણા) આપે છે. લાભપાંચમને નવાં કામ કરવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. દિવાળીના દિવસે બંધ થયેલ ઓફિસ કે દુકાન લાભપાંચમના દિવસે શુભ મુહૂર્ત જોઈને ખોલવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free