“આંટી' પાઠમાં લેખક કથાવસ્તુનાં હાર્દની આસપાસ સુંદર દેહનું સર્જન કરે છે. ઈચ્છાશંકરની વિચારધારામાં ડોકાતી ઉમદા કુટુંબભાવનાનું સરળભાષા તેમજ નાની-નાની કથાવસ્તુ દ્વારા નિરૂપણ થયું છે. વાંચનાર વ્યક્તિ ઈચ્છાશંકર અને મૂળશંકર જેવા ભાઈ બનવા પ્રેરણા પામે તેવી સુંદર રજૂઆત લેખે કરી છે. મૂળશંકરની લોભવૃત્તિ - જેની જાણ ગામલોકોને હતી - તેની જાણ, આફ્રિકા રહેતા તેમના નાનાભાઈ ઈચ્છાશંકરને એ લોકો ફરિયાદમાં રૂપમાં કરતાં. ઈચ્છાશંકરને ચેતવવાનાં આશયથી આવી ફરિયાદો થતી. પરંતુ ઈચ્છાશંકરનો સરળ સ્વભાવ તેમના સંબંધમાં પણ એટલી જ સરળતા ઈચ્છતો. સળંગ દોરી, ગાંઠ વગરની દોરીમાં જેટલી નજાકતતા હોય છે તેટલી નજાકતતા, સરળતા ગાંઠ વાળેલી દોરીમાં નથી રહેતી આ વાત ઈચ્છાશંકર સુપેરે જાણતા હતા. તેથી તેમણે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધમાં કદાપિ શંકારૂપી ગાંઠ પડવા ન દીધી. ખેતરમાં પ્રથમવાર પાકેલી કેરી બાળકોને આપવાનાં પ્રસંગની રજૂઆતમાં લેખક એક દશ્યને વાચા આપતાં જયારે જણાવે છે, કે આપણા આંબાની સીઝનની પહેલી શાખ છે પણ મોટી 'કેરી તરફ ભત્રીજાને જોતાં જ હાથને આંટી પાડી દીધી. આમ જણાવે છે, ત્યારે આ મામુલી લાગતું દશ્ય - બન્ને ભાઈઓ વચ્ચેનાં સંબંધને નવી દિશા આપી દે છે. મોડી સાંજે ઈચ્છાશંકર મોટાભાઈ મૂળશંકરને જણાવે છે કે - “મોટાભાઈ, કાલ આપણે ભાગ વહેંચવા છે !'' હાથની માત્ર એક આંટીથી ઈચ્છાશંકરની કુટુંબ પ્રત્યેની; મોટાભાઈ પ્રત્યેની તેમજ મોટાભાઈના પરિવાર વિશે વિચારવાની ભાવના ૧૮૦ અંશના ખૂણે પલટો ખાઈ ગઈ ! અને પાઠનો મૂળ હાર્દ જ આ પ્રસંગ અને પ્રસંગનું પરિણામ - આ બે તથ્યો છે, જે પાઠનાં શીર્ષકની યથાર્થતાની પૂર્તિ કરે છે.