દિવ્યેશે મોતી, ચણોઠી, કારેલાંનાં બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને, રૂને મેઘધનુષના રંગનું કરીને જાતજાતની અને ભાતભાતની રાખડીઓ બનાવી હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું બૉક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે બૉક્સ ખોલીને બધાં જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી.
તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત્ રાખડીઓ બાંધી. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યશને આ દુનિયા છોડી ગયેલી બે વર્ષની નાની બહેન યાદ આવતાં તેની આંખોમાં પાણી આવી ગયાં હતાં.