પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પાપની સામે અડગ દિલથી લડવાની વાત કરી છે. પાપ કરનારને આપણે સજા કરવાની કે મારવાની જરૂર નથી પણ તેની અંદર રહેલા પાપીને સજા કરવાની છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે. માટે એ ભૂલતો કરવાનો જ છે. જે ભૂલને આપણે પાપનું નામ આપીએ છીએ, પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે ભૂલ માણસથી જ થાય છે માટે આપણે એની ભૂલને સુધારવાનો મોકો આપવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આ જગતમાં કોઇપણ માણસ પાપ કરે, ભૂલ કરે તો કાયદામાં તેની સજાની જોગવાઈ કરવામાં આવે છે. અને તે માણસને દંડ કરવામાં આવે છે. પણ આ રીત યોગ્ય નથી. માણસે પાપ કર્યા તો તેની પાછળનું કારણ જાણવું જોઈએ એને ત્યાર પછી તેને પાપની સજા સર્જનાત્મક આપવી જોઈએ. એને એવી સજા કરવી જોઈએ કે જેથી એને ખરેખર પસ્તાવો થાય. અને એ ફરીથી આવું પાપ ન જ થાય તેવા પ્રયત્નો કરે, પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરે. અને એ જ સાચી રીત છે. જો પાપીને કોઈ શારીરિક કે એવી પીડા આપીને સજા કરવામાં આવશે તો તેની પોતાની પીડાને કારણે તેનામાં બદલો લેવાની ભાવના જાગશે અને એના પાપો અટકવાને બદલે વધતા જશે. અને એ રીતે સમાજમાં પાપોની પરંપરા ચાલુ જ રહેશે. પાપી માણસને સાચો પ્રેમ આપીને તેને સાચા માર્ગે વાળી શકાય છે. જેમ કે વાલિયો લુંટારો લુંટ કરવાનું પાપ કરતો હતો પણ તેને સાચો માર્ગ દર્શાવતા તે લુંટનો માર્ગ છોડી દે છે. અને વાલ્મિકી ઋષિ બની જાય છે. આમ ઘણીવાર માણસને સમય સંજોગો અને વાતાવરણ પાપો કરવા પ્રેરતા હોય છે. અને જો તેનો અભ્યાસ કરીને તેને ક્ષમા આપવામાં આવે તો તે વ્યક્તિ પણ પાપ કર્મ કરતાં અટકી જઈ શકે છે અને સદભાગે વળી જઈ શકે છે. માટે જ કવિએ યોગ્ય કહ્યું છે કે પાપી સામે તમે લડશો નહી, પાપીનો નાશ કરવાનો પ્રયત્ન કરશોનહિ. નહિતર પાપો વધતાં જ જશે પણ જો તમે પાપીમાં રહેલ પાપવૃત્તિને સુધારવા માટે તેની નજીક જઈને તેને ક્ષમા આપશો તો તેનામાં રહેલો માનવ જાગી શકે છે. અને તે યોગ્ય દિશાએ વળી શકે છે. શ્રી ઝચેરચંદ મેઘાણીએ પોતાની ‘બદમાશ’ વાર્તા દ્વારા આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાપી જન્મથી પાપી હોતા નથી પણ સમય સંજોગો તેમને પાપી બનાવે છે. એ વાત અલારખાના પાત્ર દ્વારા સિદ્ધ થાય છે.