કુસુમ કુમુદની નાની બહેન છે. પણ ખૂબ જ સમજદાર છે. પિતા અને દાદાની લાડકી છે. તેના વિચારમાં પશ્ચિમના આચાર-વિચારની છાપ જોઈ શકાય છે પણ તે નિખાલસ અને નિર્દોષ છે. તેને દલીલમાં કોઈ પહોંચી ના શકે. કોઈને ભારે પડ્યા વિના સાદુ જીવન કેવી રીતે જીવાય તે માટે તે ઘર છોડીને નીકળી જાય છે.
માળણની ઝૂંપડી પાછળ ખીચડી બનાવતી હોય છે ત્યાં સુંદરકાકી આવી જાય છે. તેને જોતાં પહેલાં તો ચમકી જાય છે પણ પછી પોતાના મનના વિચારો જણાવે છે. કુમુદના સસરા વડીલ સાથે લગ્ન કરાવવા માગે છે તો તેને પણ કુસુમ ના પાડે છે.
સરસ્વતીચંદ્ર કુમુદ સાથે સગાઈ કરી પછી ગૃહત્યાગ કરી નીકળી ગયા ને કુમુદ પ્રમાદધન સાથે લગ્ન કરી ખૂબ દુઃખી થઈ તો કુસુમ સરસ્વતીચંદ્ર મળે તો તેની સાથે લગ્ન કરવા પણ પોતાના વિચારો સ્પષ્ટ જણાવે છે. સરસ્વતીચંદ્ર તેના બધા પ્રશ્નોના ઉત્તર આપે, મનનું સમાધાન થાય ને બંનેના વિચાર એક થાય તો જ વિચારીશ એવું કુસુમ સુંદરકાકીને કહે છે.
કુસુમે તો ઘરમાં બધાને ‘મારે તો મીરાંબાઈ થવું છે’ એમ કહ્યું છે. ગરીબ લોકો કેવા કપડાં પહેરે, ને કેવું ખાય તે પણ જાતે જ અનુભવ કરી લે છે. માતા-પિતાનું માન રાખે છે. પિતાજીને નાત-જાતની હરકત પડે નહિ ત્યાં સુધી ઘરમાં સાથે રહેશે ને હરકત પડે એવું લાગે તો ઘર છોડી જતી રહેશે એમ કુસુમ જણાવે છે.
સુંદર કહે છે કે બીજા માં-બાપ પોતાની કન્યાને વિધા આપતાં તારા દ્રષ્ટાંતથી ડરશે. ને એ સર્વ સંસારનું પાપ તારા માથે. માતા-પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભારજે !’ આવી વાત સાંભળી કુસુમ દુઃખી થાય છે.