Question
મારો વ્હાલો વરસાદ

Answer

પૃથ્વી પર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ઉનાળો વિદાય થતાં ચોમાસું (વર્ષાઋતુ) આવે છે. વર્ષાઋતુમાં મારો વહાલો વરસાદ આવે છે. વરસાદ આવતાં પહેલાં આકાશમાં કાળાં વાદળાં છવાઈ જાય છે. તેનાથી સૂરજ ઢંકાઈ જાય છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદનું આગમન થતાં સર્વત્ર આનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાનું ડ્રાઉં ... ડ્રાઉં . વાતાવરણને જીવંત બનાવી દે છે. મોર કળા કરે છે. ખેડૂતો હરખઘેલા થઈ વર્ષાનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે અને ગાય છે : “આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊનીઊની રોટલી ને, કારેલાંનું શાક.” વરસાદના આગમનથી ધરતીમાંથી માટીની મીઠી સુગંધ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. કોઈ વાર મેઘધનુષ જોવા મળે છે. સારા વરસાદને કારણે મબલખ પાક ઊતરે છે. વરસાદથી બચવા કોઈ છત્રી ઓઢીને તો કોઈ રેઇનકોટ પહેરીને નીકળી પડે છે. ખાડા-ખાબોચિયાં અને તળાવ ભરાઈ જાય છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જાતજાતનાં જીવડાં જોવા મળે છે. કપડાં જલદી સુકાતાં નથી. ક્યારેક રસ્તામાં પાણી ભરાવાથી વાહનો ફસાઈ જાય છે. ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. ક્યારેક કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે. વરસાદ ન આવે તો સૂકો દુકાળ પડે છે. પાણીની અછત સર્જાય છે. ખરેખર, વરસાદ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે. તેથી મને વરસાદ ખૂબ વહાલો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free