આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, મમ્રાર, ઘોણસ, ફુરસ, ચટાપટાવાળો અથવા આગ્યા મયાર એ ખરેખર ઝેરી સાપ છે. કોબ્રા એટલે ફેણ ચઢાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે.