‘થીંગડું’ નવલિકમાં વૃદ્ધ વિધુર પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળના જીવનપ્રસંગોને તાણાવાણાની જેમ લેખકે ગૂંથ્યા છે. નવલિકાની શરૂઆતમાં જ એકલવાયું જીવન વિતાવતા પ્રભાશંકરના કોટની બાંય પર પડેલા કાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાછી પ્રભાશંકરની મૃતપત્ની પારવતી સાથે વાર્તાલાપ રજૂ થાય છે. પેભાશંકર કહે છે કે, કોટની બાંય ફાટી ગઈ છે ત્યાં થીંગડું મારવું પડશે.
કોટને થીંગડું મારવા જેવી સ્થૂળ લાગતી વાતમાં પ્રભાશંકર લાચારી વ્યક્ત થાય છે. કરણ થીંગડું મારનાર પારવતી જ પ્રભાશંકરના જીવનમાં નથી અને વહુને થીંગડું મારવાનો સમય મળતો નથી.
પ્રભાશંકર ઘરની બધી જ જવાબદારીઓ પૂરી કર્યા પછી લગ્ન માટે તૈયાર થાય ત્યારે તેમની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે પારવતીને કહ્યું હતું કે ‘સંસાર ભોગવવા કરતા થીંગડા મારવાનું જ કામ કરવું પડશે. અહીં પ્રભાશંકરની મુશ્કેલીભરી જિંદગીનું ચિત્ર સ્પષ્ટ થાય છે. પણ પ્રભાશંકરની સુકી જિંદગીમાં સ્નેહની વર્ષ થવાની હશે એટલે જ પારવતીએ જવાબ આપેલો ‘તમે કહેશો એટલા થીંગડાં મારી દઈશ.’ સરળ લાગતો આ સંવાદ તેમના કષ્ટમય જીવનનો રણકો સંભળાવી જાય છે તે સાચે જ પાર્વતી જીવી ત્યાં સુધી પ્રભાશંકરના જીવનમાં આવેલી બધી જ મુસીબતોની ક્ષણોને થીંગડા દેવામાં પાછી પડી નહિ. પ્રભાશંકરને એકલા રાખી પારવતી પરભોમની પાત્રાએ ઉપડી ગઈ તે પ્રભાશંકરના જીવનમાં થીંગડું ન દેવાય એવું મોટું છિદ્ર પાડી ગઈ.
પ્રભાશંકરે મનુને કહેલી વાર્તામાંય થીંગડું જ મહત્વનું છે. ચિરયુના દિવ્યવસ્ત્રમાં કાણું પડતાં એને થીંગડું મારી શકાય એવું કોઈ મળતું નથી. તેની સ્થિતિ પ્રભાશંકર જેવી જ થઈ છતાં પ્રભાશંકરની જેમ ચિરાયુ વસ્ત્ર ફગાવી ન શક્યો.
વાર્તા કહેતાં જે રીતે પ્રભાશંકર પોતાના ફાટેલા કોટને થીંગડું મારવા બેસે છે તે જ વાત પ્રતીકાત્મક છે. સંધ્યાનું અંધારું છે, પ્રભાશંકરની વૃદ્ધાવસ્થા છે, જીવનસંધ્યા છે, કશુ કળાતુ નથી. પ્રભાશંકરનેય પારવતી વિના કાશું કળાતું નથી ને તેજહીન આંખે, દોરો મોંથી ભીનો કરી સોયમાં પરોવવા પ્રયત્ન કરે છે પણ સોયનું નાકું દેખાતું જ નથી. પ્રભાશંકર પોતાના એકાકીપણાને સાંધવા ઘણા પ્રયાસ કરે છે પણ સોયનું નાકું જ દેખાતું નથી.
આમ, આ નવલિકા સમગ્ર કથા સૃષ્ટિ થીંગડાની આસપાસ જ ફરતી રહે છે. પારવતી વગરના પ્રભાશંકરના જીવનમાં કોઈ થીગડું મારી શકે તેમ નથી. કોટને થીંગડું મારવા જેવી નજીવી બાબતની લાચારી વ્યક્ત થઈ છે. પરંતુ વાર્તા ધણું બધું કહી જાય છે. સમગ્ર વાર્તામાં એક સબબ પ્રતીક તરીકે વપરાયેલું થીંગડું શીર્ષક યોગ્ય છે.