લેખકનો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારની કિર્પાળ હેમરાજ ની ચાલીમાં થયેલો. આ ચાલી, અને આજુબાજુની અન્ય ચાલીમાં રહેતા કારવાર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યા, જે સરસ્વતી બાગના નામે ઓળખાતા. તેમાં રહેનાર આ વસાહતને ‘સોસાયટી’ કહેતાં. સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પતરાના શેડમાં લેખક રહેતાં, પાછળથી તેમને સોસાયટીના બ્લોકમાં રહેવાની જગ્યા મળેલી.
લેખકનું બાળપણ આ સોસાયટીમાં ગયેલું. સોસાયટીના કાનો ગોળાકાર અને અર્ધગોળાકારમાં આવેલા, અને તેની વચ્ચોવચ બેઠા મકાનમાં મ્યુનિસિપાલિટીની શાળા ચાલતી જેમાં લેખક ભણતાં.
સોસાયટીમાં આંબા, જાંબુના, વડના વગેરેનાં વૃક્ષો હતાં અને ગુલાબનાં હજારો છોડ, કેવડાના છોડ પણ ખરા. સોસાયટીની પશ્ચિમ દિશામાં ગાડીના પાટા અને બાકીની ત્રણે દિશામાં વૃક્ષો અને ટેકરીઓ આવેલાં. આવાં જંગલ જેવા વિસ્તારને લીધે, ત્યાં સાપનો અને ચોરનો ડર રહેતો. તેથી રાત્રે પહેરો ભરવા માટે બે ચોકીદાર આવતા. એક ચોકીદાર, કાદરખાન પઠાણ, સૂરમાં મધુરી વાંસળી વગાડતો – જેથી બાળ દેશપાંડેની બીક ઓછી થઈ જતી ને વાંસળી સાંભળવાનું તેમને ગમતું.
નારાયણ મામા ‘રામાયણ’ ના વિષય પર, સ્ત્રીપાત્ર વગર, નાટક કરતા. મુખ્ય વિષય રામ-રાવણના યુદ્ધનો હોય લેખક અને તેનાં મિત્રો વાનરસેના બને ! મામાએ તૈયાર કરી આપેલી વેશભૂષા ધારણ કરીને સાચા વૃક્ષ પર વાનરસેના ચઢી બેસતી !
તેઓ નાના હતા તે સમયે નાનાજીએ ચાર-પાંચ મિનિટ બોલી શકાય એટલું ‘વીર અભિમન્યુ’ નું ભાષણ લખી આપેલું. આ પૂરું ભાષણ ફટાફટ બોલી ગયેલાં, પરંતુ છેલ્લે ભૂલી જતાં, ‘છોડો, મારો દૂધ પીવાનો સમય થઈ ગયો છે’ – એમ વિષય તાત્કાલિક બદલીને, બેસી ગયેલા.
જોગેશ્વરીની સોસાયટીમાં મોટેરાં ટેનિસની રમત રમતાં, ક્રિકેટની રમતમાં તેઓ સેકન્ડ વિકેટકીપર તેમજ લાસ્ટ પ્લેયરથી આગળવધી શકેલા નહિ. સવારે 9 વાગ્યે પુરુષો બધા ઑફિસ જતાં ત્યારે બાળકોનું રાજ રહેતું – આ અને જેવી અનેક વાતનું સ્મરણઆ પાઠમાં લેખકે કર્યું છે.