પર્યાવરણ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે. આ ચાર ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે.
૧. મૃદાવરણ: પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનીજો અને માટીથી બનેલો છે. મૃદાવરણ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.
૨. જલાવરણ: પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે. તે પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે તેમ જ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે.
૩. વાતાવરણ: પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે.
૪. જીવાવરણ: પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે.