ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોને ‘ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ” પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંનાં વૃક્ષોનાં પાંદડાં ક્યારેય એકસાથે ખરતાં નથી. નવાં પાંદડાં ફૂટતાં જ રહે છે, જેથી અહીંનાં જંગલો બારેમાસ લીલાં રહે છે, આથી તેને બારેમાસ લીલાં કે નિત્ય લીલાં જંગલો કહે છે. રોઝવુડ, અબનૂસ, મેહોગની, રબર વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે.